સર્ગ તેરમો

મનોમય  આત્મામાં

 

વસ્તુનિર્દેશ

 

          રાજાની યાત્રા એને એક ઉદાસીન આકાશમાં લાવી. મૌન ત્યાં વિશ્વના સૂરોને કાન દઈ સુણતું હતું, પણ આવતા કોટી કોટી સાદોને કશો ઉત્તર આપતું નહીં, અંતહીન પ્રશ્નને પ્રત્યુત્તર મળતો નહીં. ભુવનોની આરોહતી પરંપરાનો અહીં અંત આવી ગયો. જીવન જેના વિરાટ વિસ્તારોમાં એક ખૂણે પડેલું હતું એવા મનોમય આત્મા સાથે અશ્વપતિ એકલો ઊભો. દ્વન્દ્વોથી પર ને સર્વ પ્રતિ એકસમાન એ આત્મા ક્શાથીય વિચલિત થતો નહીં. એ હતો સર્વના કારણરૂપ અને એકલ સાક્ષી દ્વ્રષ્ટા. પ્રકૃતિની સઘળી ક્રિયાઓ ને પ્રક્રિયાઓને એ તટસ્થતાથી જોતો, એનાં અનંત રૂપોનો સ્વામી અને અનુમંતા હોવા છતાં પોતે કશું જ કરતો નહીં. પ્રભુની અકાળ નિ:શબ્દતામાં દ્રષ્ટા આત્માનો-પુરુષનો પ્રભાવશાળી પ્રકૃતિની સાથે યોગ થતો ને એ બેના સંયોગોમાંથી સારી સૃષ્ટિ સમુદભવતી.

           આ મનોમય પુરુષની ભૂમિકામાં અશ્વપતિ સ્થિર થયો. ત્યાની સત્-તા અને ત્યાંનું મૌન તેનાં બન્યાં. અને જીવને શાંતિ મળી, એને વિશ્વસમસ્તનું જ્ઞાન થયું. પણ ગોચર સર્વ વસ્તુઓને સ્પર્શતી એક કિરણાંગુલીએ રાજાના માણસને બતાવ્યું કે એ કશું જ જાણવાને સમર્થ નથી. જેમાંથી સર્વ જ્ઞાન આવે  છે ત્યાં  તેણે પહોંચવું જોઈએ. મન અને મનનાં કારણો ગમે તેટલાં ઉદાત્ત બને તોપણ તેમને જ્ઞાન પ્રાપ્ત થતું નથી. મનનાં સાધનો કાળની બન્ક પરના બનાવતી ચેક જેવાં છે, સત્યના ખજાનામાં એ મૂલ્ય વિનાનાં છે. મન માત્ર હવાઈ રચનાઓ ઊભી કરે છે, કરોળીયાની જાળ જેવી તર્ક-જાળ બનાવે છે ને ઇન્દ્રિયોપભોગ ક્ષુદ્ર જીવ-જંતુઓને એમાં સપડાવે છે.

            આપણું મન ભૂતકાળનાં ભૂતોથી ભૂતિયું બનેલુ ઘર છે. સત્ત્વને ને જીવનને વેડફી મારનાર કાર્યાલય છે, અજ્ઞાનનો રંગમંચ છે. બુદ્ધિ માત્ર બાંધકામ કરે છે ને શબ્દજાળમાં જીવને ઝાલે છે. દ્રષ્ટા અને સ્રષ્ટા મન એક પ્રતિનિધિ છે, પણ આ પ્રતિનિધિ પાસે માત્ર અર્ધદૃષ્ટિ છે. એ છે કે કેવળ એક પ્રતીક, પ્રભુનો જીવંત પિંડ નથી, મનની આંખે મનોમય પુરુષ સુધ્ધાં અજ્ઞેયની આછી છાયાનો આભાસ છે, એની મુક્તિ ને નિશ્ચલ શાંતિ કાળ-સર્જી વસ્તુઓથી  નિવૃત્ત થઈને અળગી રહે છે,

૭૪


 એને સનાતનનું આત્મદર્શન નથી, એનામાં ઊંડી શાંતિ છે પણ ત્યાં અનામી શક્તિનો અભાવ છે. પોતાનાં બાળકોને ગોદમાં રાખતી તે સારા જગતને લઈને હૈયે ચાંપતી આપણી મહામાતા ત્યાં નથી. સૃષ્ટિના સ્વભાવના વાણાતાણામાં રહેલું મહાસુખ ત્યાં નથી, નથી ભાવની સઘનતા, નથી ત્યાં પ્રેમનું હૃદય. મનોમન કરતાં મહત્તર આત્માએ આપણી ખોજને ઉત્તર આપવાનો છે.

           રાજાએ ઉપર દૃષ્ટિ કરી તો ત્યાં બધું ખાલી ને નિ:સ્પંદ દેખાયું-સુક્ષ્મભાવી વિચારનું માત્ર નીલાકાશ વિચાર ત્યાં અરૂપ આકાશમાં પલાયન કરી જતો. એણે નીચે જોયું તો ત્યાં બધું અંધકારમય અને અવાક્ પડ્યું હતું. આ બન્નેની વચગાળમાં ચિંતનનો ને પ્રાર્થનાનો પોકાર સંભળાતો હતો; સંઘર્ષ અને અશ્રાંત પરિશ્રમ ત્યાં ચાલતો હતો. અજ્ઞાનના કાંઠાઓ વચ્ચે જીવનનો મહાસાગર ઊછળી રહ્યો હતો. સત્ત્વો, શક્તિઓ, આકારો અને વિચારો ત્યાં તરંગાયમાણ થતા હતા. ત્યાં હતાં વિશ્વોને જન્મ આપનાર શૂન્યાકારતા, સર્જક મૃત્યુ, ને નિગૂઢ રિક્તતા. પ્રશ્નનોને જવાબ આપવાનો ત્યાંથી ઇનકાર આવતો હતો. અધ:પ્રદેશે હતું અચિત્ , મૂક ને અનિશ્ચિત પ્રકારનું.

 

            અંધકારનાં ને પ્રકશનાં બે આકાશો આત્માની ગતિ અવરોધતાં હતાં. જીવની ત્યાં જીવનયાત્રા ચાલતી. ત્યાં જીવવા માટે મરવાનું ને મરવા માટે જીવવાનું આવશ્ક હતું. વિચારનાં ચક્કરોમાં બધાં ભમતાં ને પાછાં જ્યાંનાં ત્યાં આવી ઉભાં રહેતા. જીવન ત્યાં બંધનરૂપ હતું, નિર્વાણમાં લીન થઇ જવું એ જ છુટકારો હતો

.

આવ્યું નગ્ન ઉદાસીન એક અંબર આખરે,

મૌન જ્યાં વિશ્વનો નાદ ધ્યાનથી સુણતું હતું

કિંતુ કોટિક સાદોને કશોયે ના ઉત્તર આપતું હતું;

જવાબ મળતો ના કો જીવ કેરા અંતવિહીન પ્રશ્નને.

આવ્યો ઉત્સુક આશાઓતણો અંત ઓચિંતાની સમાપ્તિએ,

વિરામ એક ઊંડેરો પ્રચંડ સ્થિરતામહીં,

પંક્તિ એક 'ઇતિશ્રી' ની છેલ્લે પાને વિચારના,

હાંસિયો ને જગા ખાલી શબ્દવર્જિત શાંતિની.

શ્રેણી ક્રમિક ત્યાં થંભી ચઢતાં ભુવનોતણી.

વિશાળી વક્ર્રેખે ત્યાં ઊભો રાજા ટોચના અવકાશની,

એકલો સુબૃહત્ એક આત્મા સાથે મનોમય

જે પોતાનાં વિરાટોને એક ખૂણે સર્વ જીવન ધારતો.

સર્વસમર્થ, નિશ્ચેષ્ટ, અળગો ને અલાયદો

પોતામાંથી ઉદભવ્યું 'તું જગત્ , તેમાં ભાગ લેતો હતો ન કો:

૭૫


વિજયસ્તોત્રોત્રગાનોની પ્રત્યે લક્ષ્ય ન આપતો,

પરાજયોતણી પ્રત્યે પોતાના એ ઉદાસીન બન્યો હતો,

સુણતો દુઃખ-પોકારો તો ય ચિહન ન કશું બતલાવતો,

શુભાશુભ પરે એની સમદૃષ્ટિ થતી હતી,

વિનાશ આવતો જોતો પણ પોતે હાલતોચાલાતો નહીં.

નિમિત્ત વસ્તુઓ કેરું સમભાવ, દ્રષ્ટા કેવળ એકલો,

સ્વામી રૂપસમૂહોનો પોતા કેરાં, પોતે પ્રવૃત્ત ના થતો

પરંતુ સૌ વિચારો ને કર્મો કેરો નિર્વાહ કરતો હતો,

સાક્ષી પ્રભુ પ્રકૃતિનાં કોટાનુકોટિ કાર્યનો

એની શક્તિતણી ચાલ-ચેષ્ટાઓને અનુમોદન આપતો.

આ નૈષ્કર્મ્ય મહાકાય રાજાના મનની મહીં

પ્રતિબિંબન પામતું.

આ સાક્ષી ચુપકીદી છે મનીષીનું છૂપું મથક મોખનું :

નીરવ ગહનો મધ્યે  છુપાયેલા શબ્દની રચના થતી,

અવાજોએ ભર્યા ચિત્તે ને જગે શ્રમમાં લગ્યા

ગુપ્ત નીરવતાઓથી કર્મનો જન્મ થાય છે;

ચૈત્યાત્માના જન્મ કેરું નિગૂઢ સ્થાન મૌન, તે

ગુપ્તતામાં લપેટેલું રાખે બીજ બોતો જેને સનાતન.

પ્રભુના પરમોદાત્ત સંકેલેલા અકાળ સૂનકારમાં

દૃષ્ટિસંપન્ન આત્માનો ને સમર્થ શક્તિનો યોગ છે થયો;

મૌને સ્વરૂપને જાણ્યું ને વિચાર રૂપબદ્ધ બની ગયો :

શક્તિદ્વયથકી સૃષ્ટિ સ્વયંભૂ છે સમુદભવી.

નિ:સ્પંદ આત્મમાં રાજા નિવાસ કરતો હતો

અને એની મહીં નિ:સ્પંદ આત્મ એ;

એનાં અવાક અસ્માર્ત ઊંડાણો ધ્યાન આપતાં,

એનું વૈશાલ્ય ને સ્પંદહીનતા એ બની એનાં ગયાં હતાં;

એકાત્મભાવમાં એની સાથે આપ વિશાળ ને

શક્તિશાળી અને મુક્ત બની ગયો.

પોતાની કલ્પના કેરાં જેમ કોઈ દૃશ્યોની રચના કરે

અને તલ્લીન ના થાય પોતાનાં દર્શનો મહીં,

પણ પેક્ષકને રૂપે જુએ જાતે કલ્પી કાઢેલ નાટયને

તેમ અશ્વપતિયે પ્રેક્ષતો હતો

જગને ને નિરિક્ષંતો હતો એના પ્રવર્તક વિચારને

જેમની આંખમાં ભાર હતો જ્યોતિર્મયી ભવિષ્યવાણિનો,

૭૬


પોતાના ચૈત્ય આત્માની મૂકતાથી સમુદભાવ્યાં 

વાયુ-વિહિન-પદી તેનાં બળોને અવલોકતો.

બધું સમજતો 'તો એ ને બધું જાણતો હતો

હવે એવું જણાઈ આવતું હતું;

આવતી ન હતી ઈચ્છા, ને સંક્લ્પે આવેગ આવતો ન 'તો,

મોટો ગવેષણાકાર હતો વ્યગ્ર ને બેકાર બન્યો હતો;

કશાની માગણી ન્હોતી, ક્શાનીયે ન આવશ્યકતા હતી.

રહી એ શકતો 'તો ત્યાં આત્મા રૂપે,  પ્રાપ્ત મૌન થયું હતું :

એને જીવે હતી શાંતિ, જ્ઞાન એને વૈસ્વ અખિલનું હતું.

પછીથી દૃષ્ટ યા સ્પૃષ્ટ, શ્રુત યા તો સંવેદિત થયેલ સૌ

વસ્તુઓ પર વિધોતી ઓચિંતી આંગળી પડી

ને એના મનને તેણે બતાવ્યું કે ન કશું શક્ય જાણવું;

જ્યાંથી સૌ જ્ઞાન આવે છે તેને એક કરવું પ્રાપ્ત જોઈએ.

આભાસતું બધું તોડોફોડી નાંખ્યું સંદેહાત્મક રશ્મિએ

ને કર્યો ઘા છેક મૂળો પર ચિંતનનાં અને

ઇન્દ્રિયોદભૂત જ્ઞાનનાં.

અજ્ઞાનને જગે તેઓ વૃદ્ધિગત થયેલ છે

પારના સુર્યને માટે અભીપ્સાઓ નિષેધતાં

રમતાં અજવાળે ને વરસાદે વધારે દિવવ્ય વ્યોમના,

તે ગમે તેટલે ઊંચે જાય તો ય કદી ના મેળવી શકે,

યા ગમે તેટલી સૂક્ષ્મ કરે તેઓ ગવેષણા

તો ય પાર પહોંચી શકતાં નથી.

વિચાર- સાધનોને યે શંકા ખાઈ જતી હતી,

પ્રક્ષેપાયો અવિશ્વાસ મનનાં કરણો પરે;

મન જેને ગણે સિક્કો સત્યતાનો પ્રકાશતો

તે સાબિત થયું તથ્થ, તર્ક પાકો, ચોખ્ખું યા અનુમાન કો,

દૃઢ સિદ્ધાંત ને અર્થ ખાતરીબંધ, કાળની

શરાફી બેન્કની પરે,

હતી કપટબાજીઓ, અથવા તો ખજાનામાંહ્ય સત્યના

મૂલ્ય જેવું નથી કાંઈ એવી માલમતા જમા.

અજ્ઞાન એક બેઠેલું હતું બેચેન ગાદીએ,

રાજસત્તા એની આપાતિકા હતી;

સંદેહાત્મક શબ્દોમાં, પ્રકાશંતાં તો ય પર્યાપ્ત જે નથી

એવું જરી-ઝગારાઓ મારનારાં રૂપોમાંહ્ય વિચારનાં

૭૭


કરતું એ હતું જ્ઞાન-મૂર્ત્તિ કેરી વિડંબના.

અંધારે કરતું કામ, અર્ધ-જોતે અંજાઈ એ જતું હતું,

તૂટેલી આરસીમાંહે પડેલા પ્રતિબિંબને

માત્ર એ જાણતું હતું,

એ જોતું હતું તેહ સાચી વસ્તુ હતી છતાં

દૃષ્ટિ એની ખરી ન 'તી.

એના વિશાળ ભંડારે ભર્યા 'તા ભાવ તે બધા

ક્ષણના વાદળા કેરા જપના ધ્વની શા હતા,

વાદળું જે

ધ્વનિમાં જ થતું પૂરું ને નિશાની એકે મૂકી જતું નહીં.

ગૃહ પ્રલંબતું એક અનિશ્ચિત હવામહીં,

યુક્તિબદ્ધા જાળ ઝીણી જેની આસપાસ એની થતી ગતિ,

વિશ્વવૃક્ષ પરે થોડી વાર માટે રચાયલી,

ને પાછી જેહ સંકેલી લેવાતી નિજની મહીં,

ફંદો  માત્ર હતો એ જ્યાં ઝલાતાં જીવજંતુઓ

ભોજય જીવનશક્તિનું,

ક્ષણિક જ્યોતિમાં પાંખો પેલવ પપલાવતાં

વિચારોનાં પતંગિયાં

મરી જાતાં ઝલાતાંમાં એક વાર મનનાં દૃઢ રૂપમાં,

વામણાં લક્ષ્ય નાના જે પરિમાણે માનવી મનના ઘણો

મોટો આભાસ આપતાં,

ટમકારા કલ્પનાના ઝળકંતા જાળિયાળા વણાટના

ને હવે જીવતી ના જે

એવી ધર્મશ્રદ્ધાઓના, જે બાવાંએ લપેટાયલી.

જાદૂઈ ઝૂંપડી ઊભી કરેલી નિશ્ચયોતણી

જેની બનાવટે ઘૂળ ચમકીલી અને ઉજ્જવલ ચંદ્રિકા

સામગ્રીરૂપમાં હતાં,

ને જેમાં પધરાવી 'તી એણે સ્વીય પ્રતિમા સત્યરૂપની,

તે થઇ ભોંયભેગી ને

જે અજ્ઞાનથકી પોતે ઉદભવી 'તી તેમાં પાછી મળી ગઈ.

પ્રતીકાત્મક તથ્યોની ઝીણી માત્ર જોત એક રહી હતી,

આ તથ્યો નિજ આભામાં સંતાયેલા રહસ્યને

પિછોડીમાં છુપાવતાં,

ને તેમના વડે રે'તાં જીવતાં જે જૂઠાણાં તે 

૭૮


પર ચાદર નાખતાં,

ને જ્યાં સુધી ખરી તેઓ પડતાં નહિ કાળથી

ત્યાં સુધી આમ ચાલતું.

હણાયેલા ભૂતકાળતણા ભૂતે ભરાયલું

ઘર છે મન આપણું,

ભાવો જ્યાં રૂપ લે શીઘ્ર સાચવીને રાખેલાં મડદાંતણું,

જીર્ણ ભૂતોતણી ભૂતાવળો જહીં,

ને સ્વાભાવિકતાઓ જ્યાં પ્રભુ કેરી બાંધેલી રૂઢ દોરથી

પેક્બંધ કરી ખાને રખાય છે

સાફ સોજા દફતરે તર્ક-બુદ્ધિના,

દફનાવાય જ્યાં મોટી ગુમાવેલી તકો તે ઘોર રૂપ એ,

જીવ ને જિંદગી કેરો જ્યાં ખોટો ખર્ચ થાય છે

તેવી ઓફિસના સમું,

સ્વર્ગની બક્ષિસો કેરો માનવીએ કર્યો હોય બિગાડ, ને

નિધિ પ્રકૃતિ કેરા જ્યાં વેડફાઈ ગયેલા હોય તે બધું,

રંગમંચ અવિદ્યાના નાટકાર્થે પ્રહાસના.

લાગતું જગ કો લાંબા કલ્પો કેરા નિષ્ફલ્ય-દૃશ્યના સમું :

બધું વંધ્ય બન્યું 'તું ને પાયો એકે સલામત રહ્યો ન 'તો.

આક્ષેપ કરતી જ્યોતિ-અસિનો હુમલો થતાં

આત્મવિશ્વાસ ખોયો 'તો રચનાકાર બુદ્ધિએ

શબ્દની જાળમાં બંદી જીવને જે બનાવતો

તે વિચારતણી સફળ યુક્તિમાં

અને એના વળાંકમાં.

જ્ઞાન સર્વોચ્ચ એનું તે હતું માત્ર અનુમાન પ્રકાશતું

વિશ્વોનું જબરું એનું હતું ઊભું કીધું વિજ્ઞાન જેહ તે

પસાર થઇ જાનારી હતી જ્યોતિ તલો ઉપર સત્ત્વનાં.

ઇન્દ્રિયાલેખિતા રૂપરેખા સિવાયનું કશું

બીજું તહીં હતું નહીં,

સનાતન રહસ્યોનું સ્થાન લેનાર એ હતું,

સત્યતાનું હતું રૂપ લીસોટાએ રચાયલું,

શબ્દરૂપી શિલ્પકારે કરેલી એક યોજના,

સ્થાન ઊંચું રચેલ કો,

લદાયેલું આભાસો પર કાળના.

સચરાચરનો આત્મા શંકાની છાયામાં હતો;

૭૯


વિશ્વવ્યાપી શૂન્યતાના ખુલ્લા એક તળાવમાં

પ્લવતા પદ્મના પર્ણ સમ પ્રાય: સંસાર લાગતો હતો.

મહાન મન આ દ્રષ્ટા અને સ્રષ્ટા, માત્ર કો અર્ધ-દૃષ્ટિનું

હતું પ્રતિનિધિ બન્યું,

હતું નંખાયલો એક પડદો એ જીવ ને જ્યોતિની વચે,

હતું મૂર્ત્તિ,  ન જીવંત શરીર જગદીશનું.

નિ:સ્પંદ આત્મ સુદ્ધાં જે હતો કાર્યો પોતાનાં અવલોકતો

તે ય અજ્ઞેયના ઝાંખા  મુખભાગ જેવો કૈં લાગતો હતો;

સાક્ષી આત્મા વિશાળો તે છાય શો લાગતો હતો,

કાળ-નિર્મિ વસ્તુઓથી આત્મા કેરું ખાલી પાછા પડી જવું

એ જ એની હતી મુક્તિ અને એની શાંતિ નિષ્ક્રિયતાભરી,

એ સનાતનતા કેરું આત્મ-દર્શન ના હતું.

હતી ત્યાં ગહના શાંતિ, કિંતુ નામહીન શક્તિ હતી ન ત્યાં :

પોતાને હૃદયે ભેગાં કરે છે જે જીવનો નિજ બળનાં

તે મહાબળ ને મીઠી આપણી મા હતી ન ત્યાં,

અનંતના મહાહર્ષ કેરી અગાધતામહીં

વિશ્વને લઇ જાનારો ન 'તો એનો આશ્લેષ બાહુઓતણો,

સ્વભાવ સૃષ્ટિનો છે જે વૈભવી તે મહાસુખ હતું ન ત્યાં,

યા ન 'તો શુભ્રતાયુક્ત ભાવોદ્રેક પ્રભુની સંમુદાતણો,

પ્રેમ કેરા અમર્યાદ હૈયાની જે મહાજવાળામહીં હસે.

જે મનોમય જે આત્મા તેનાથી કો મહત્તર

આત્માએ આપવાનો છે

રાજા અશ્વપતિ કેરા ચૈત્યાત્માના પ્રશ્નને પ્રતિ-ઉત્તર.

કેમ કે હ્યાં ન'તી એકે પાકી ચાવી ઉકેલની

અને માર્ગ ખાતરીબંધ કો ન 'તો;

ઊંચે આરોહતા અધ્વ અજ્ઞાતે શમતા હતા;

એક દૃષ્ટિ કલાકાર પાર કેરી રચના કરતી હતી

વિપરીત નમૂનાઓ ને સંઘર્ષ કરતા રંગ રૂપમાં;

ખંડિત કરતી અંશ-અનુભૂતિ આખા એક અખંડને.

રાજાએ ઊર્ધ્વની પ્રત્યે કરી દૃષ્ટિ પરંતુ ત્યાં

સર્વ કાંઈ હતું ખાલી અને નિ:સ્પંદતા ભર્યું;

નિરાકાર રિક્તતામાં સૂક્ષ્મભાવી વિચારનું

વ્યોમ નીલમ શું નીલ સરી સટકતું હતું.

નીચે એણે કરી દૃષ્ટિ, કિંતુ સર્વ કાળું ને મૂક ત્યાં હતું.

૮૦


અવાજ, વચગાળામાં, પડયો કાને પ્રાર્થના ને વિચારનો,

સંઘર્ષનો અને અંત કે વિરામ વિનાના શ્રમકાર્યનો;

વ્યર્થ અજ્ઞાન લિપ્સાએ ઉઠાવ્યો સૂર આપનો.

કોલાહલ અને આંદોલન એક અને પોકાર એક ત્યાં,

ફેણાતો પુંજ ને સંખ્યાતીત ચીત્કાર ઊઠતા,

તે રેલાતા હતા ચાલુ જિંદગીની મહાસાગર-ઊર્મિએ

મર્ત્ય અજ્ઞાનના એક કાંઠાથી અન્ય કાંઠડે.

એના અસ્થિર ને જંગી વક્ષ:સ્થળતણી પરે

સત્ત્વો, બળો અને રૂપો અને ભાવો તરંગ શા

આકાર-અધિકારાર્થે ધક્કાધક્કી માંહોમાંહે કરંત ત્યાં

કાળમાં આવતાં ઊંચે, પડતાં ને પાછા ઉપર આવતાં,

ને નિર્નિદ્ર ક્ષોભ કેરે તળે જે શૂન્યતા હતી

તે હતી મા જન્મદાત્રી મથંતાં ભુવાનોતણી,

ભીમકાય હતું સ્રષ્ટા મૃત્યુ, એક નિગૂઢ રિક્તતા હતી,

ટકાવી રાખતા 'તાં જે અયુકિતક અવાજને,

ઊર્ધ્વના શબ્દને બ્હાર હરહંમેશ રાખતાં,

ગતિહીન અને પ્રશ્નોત્તરીને ઇનકારતી

અવાજો ને પ્રયાત્રાની નીચે આરામમાં પડી

તમોલીન અચિત્ કેરી શબ્દહીન સંદેહાત્મકતા હતી.

અંધકાર અને જ્યોતિતણાં બે વ્યોમ-મંડળો

આત્મ-સંચારની સામે સ્વસીમાઓ વિરોધે મૂકતાં હતાં;

અનંતતા થકી આત્મા કેરી ઢાંકપિછોડીમાં

ચૈત્ય સંચરતો હતો

જીવો કેરા અને અક્લ્પકાલીન ઘટનાવલી

કેરા ભુવનની મહીં,

જ્યાં પડે મરવું સૌ જીવવા ને મરવા જીવવું પડે.

અમર્ત્ય નવતા પામ્યે જનારી મર્ત્યતાથકી,

પોતાનાં કુંડલાકાર કર્મચક્રોમહીં એ અટતો હતો,

કે સ્વ-વિચારનાં ચક્રો ફરતો દોડતો હતો,

છતાં યે મૂળ પોતાના રૂપથી એ વધારે કૈં હતો નહીં

ને આરંભે જાણતો 'તો તેથી જ્યાદા કશુંયે જાણતો નહીં.

'અસ્તિ' કારાવાસ, લોપ છુટકારો બન્યો હતો.

૮૧


 

તેરમો  સર્ગ  સમાપ્ત